સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

જબ બા : ખેડૂત ની દિકરી ની કરૂણ કહાણી

વિજળી વેરણ થઈ

                    જબ બા

ગુજરાત રાજ્ય માં કચ્છના નાના રણ પાસે આવેલ નાનકડા ગામ નવા Ghantila માં એક મધ્યમ વર્ગ ના ખેડૂત પ્રભુ બાપા રહેતા હતા. જેઓને ગામ લોકો લાડથી ગાંડુબાપા નાં નામથી ઓળખતા હતા અને તેઓના ધર્મ પત્નિ દિવાળી બા ને લાડ થી દિવાળી માં તરીકે માનથી બોલાવતા.
        આમ તો ગાંડુબાપા નું ખોરડુ તેઓની ત્રણ પેઢી થી ઞામમાં આદર ભાવથી જાણીતું છે.ગાંડુબાપા ના પિતાજી ચતુરબાપા અને પિતામહ જસમત બાપા. જસમત બાપા ના સમયે ભારત દેશમાં રાજાશાહી હતી, ગામમાં જસમત બાપા ગામના પંચ માં સૌથી મોભી હતાં અને ગામમાં તેઓની સારી નામનાં હતી, ગામલોકો તેઓનું માન જાળવતા. ત્યારે Nava Ghantila ગામ જસમત પટેલ નું Ghantila તરીકે ઓળખવામાં આવતું હતું.
    ગાંડુબાપા ને સંતાનોમાં સૌથી મોટી દિકરી હતી જેનું નામ જબુબેન હતું.જબુબેન નો જન્મ આશરે 1950 ની સાલમાં થયો હતો. ગામમાં બાપાનું ખોરડુ પેઢીઓ થી માણસાઈ અને સન્માન ની દ્રષ્ટિએ મોખરે.ગામ લોકો કહેતાં કે ગાંડુબાપા નાં ઘરનું માથું મોટું છે. માથું મોટું હોવાનો મતલબ કે તે ઘરનાં તમામ સભ્યો સનમાન્ય છે.ઉંમર માં નાનાં હોવા છતાં પણ તેનાંથી મોટા માણસો તુંકારો દઈને ન બોલાવે,એટલે ગામ લોકો જબુબેન ને માન થી જબુ બા કહીને બોલાવતા. ગામઠી બોલીમાં જબુ બા અલગ બોલવાની જગ્યાએ સૌ જબબા કે જબ બા તરીકે બોલાવતાં.
       જબ બા એ લખવા વાંચવા સુધીનું પ્રાથમિક શિક્ષણ લીધેલ.તેથી જરૂર પૂરતું લખી વાંચી શકતા. તેઓ મિત ભાષિ અને થોડા શરમાળ હતાં.માણસાઈ અને સન્સકાર તેઓને વારસા માં મળેલ એટલે તેઓ સંસ્કારી અને મર્યાદાશિલ હતાં. તેઓના આવા સ્વભાવને કારણે ગામ લોકો જબબા ને ખૂબ સાચા દિલથી ચાહતા.
       જબ બા ખેતી નાં નાનાં મોટાં કામોમાં મદદ કરતાં. ગાય ભેંસો દોહવી, તેમના માટે ઘાસચારો લેવા જતાં.તળાવ બેળું લઈને બધી સહિયર સાથે પાણી ભરવા પણ જતાં.તેઓ સવાર માં વહેલાં ઉઠીને ઘંટી માં બાજરો જુવાર દળતા. અનાજ દળતા દળતા તેઓ પ્રભાતિયાં, લોકગીતો અને ગાણાં ખૂબજ સારા રાગ માં ગાતા,જેનાથી ઘરનું વાતાવરણ આહલાદક અને ભક્તિમય થઈ જતું.
જબબા સાતમ-આઠમ નાં તહેવારો માં ગામની સ્ત્રીઓ સાથે ગાણાં ગાવા ની રમઝટ પાડતાં. ત્યારના સમયમાં ગામડામાં ગાણાં ગાવાનું ખૂબ ચલણ હતું.ગામલોકો તહેવારો ની ઉજવણી હર્ષોલ્લાસ થી કરતાં.
        ત્યારના સમયમાં ગાયો ભેંસો અને ઢોર ઢાખર રાખવાનું પ્રમાણ વધારે હતું. જબ બા ને ઘરે પણ ત્રણ ચાર દુજાણા હતાં.જાજી ગાય ભેંસો હોવા નું કારણ એ હતું કે ત્યારે લોકો સંયુક્ત કુટુંબ સાથે રહેતા. ભાઈઓ, ભાભીઓ, કાકા કાકી, દાદા દાદી ઇત્યાદિ મળી ને કુટુંબ ના સભ્યો ની સંખ્યા વધુ હોય. જબબા ગાયો ભેંસો દોહતા. દૂધ મેળવી દહીં બનાવવામાં આવતું. સવારે વહેલા પરોળિયે વલોણું ફેરવી સાસ બનાવવામાં આવતી. જબબા સાસ ના વલોણા ની રસ્સી તાણી સાસ બનાવતા. તેમાં થી માખણ તારવવું અને માખણ તાવી ને સરસ રીતે ઘી બનાવતાં.દિવાળી બા જબબા નાં માતાજી  ગામલોકો ને સાસ આપવા બેસતાં. ત્યારે ગામડામાં એવું ચલણ હતું કે જેઓને ઘેર દુજાણા ન હોય તેઓ સાસ લેવા આવતા. સાસ મફત માં વહેંચવામાં આવતી. ગામનો આ વણ લખ્યો વહેવાર હતો. ગામના સૌ લોકો એકબીજા ને મદદ કરતાં.
     દિવસો ને વર્ષો પસાર થતાં ગયા. હવે જબબા 20 વર્ષ ના થયાં. તેઓની સગાઈ બાજુનાં ગામમાં સંસ્કારી ઘરે કરવામાંથી આવી અને અખાત્રીજ નાં પવિત્ર દિવસે લગ્નનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે કડવા પાટીદાર સમાજ માં અખાત્રીજ નાં દિવસે જ લગ્ન કરવા માં આવતા. અખાત્રીજ નો અર્થ થાય છે અક્ષય તૃતીયા .તે દિવસે વણ જોવરાવેલું મુરુહત.આજે પણ કડવા પટેલ સમાજના દીકરા દીકરી નાં સમૂહ લગ્નો નું આયોજન અખાત્રીજ ને દિવસે કરવામાં આવે છે.
       ત્યારે આજ ની જેમ Car કે બીજા વાહનો નહોતાં. બળદ ગાડા માં જાનું આવતી. બળદ પર હાથ થી ભરેલ સરસ મજાની રંગબેરંગી છતારા મઢીત ઝૂલ મુકવામાં આવતી. ઝૂલ નિ નીચે ઘૂઘરીઓ ટાંકવામાં આવતી. બળદો નાં શીંગળા અને માથા પર પણ ઝૂલ શણગારવામાં આવતી. ગાડા ને પણ શણગારી ઉપર રથ માં હોય તેવી રંગબેરંગી છત્રી થી છાંયડો કરવામાં આવતો. જ્યારે બળદ ગાડુ ચાલે ત્યારે ઘૂઘરીઓ નાં રણકાર તથા સ્ત્રીઓ નાં મધુર લગ્ન ગીતો થી વાતાવરણ આનંદમય બની જતું. આવા શણગારેલા બે ચાર બળદ ગાડામાં જાન આવતી.એક ગાડામાં વરરાજા અને જાનળિયું બેસતી.બાકીના બીજા  ગડાઓ માં અન્ય જાનૈયા બેસતાં.
      અખાત્રીજ નાં દિવસે જબબા ની જાન આવી. પાધર માં જાન ને વિસામાં ની વ્યવસ્થા કરવામાં આવી. ચા પાણી પીવાળાવ્યા બાદ જાન ને વાજતે ગાજતે મધુર લગ્ન ગીતો ગાતા ગાતા ઊઞમણે ઝાંપે થી સામૈઉ કરવામાં આવ્યું.ઢોલીળાનાં ઢોલ ની રમઝટ અને લગ્ન ગીતોથી ગામનું વાતાવરણ હર્ષોલ્લાસ મય બની ગયું.જાન ને ગામનાં સારા માં સારા ઘરે ઉતારો આપવામાં આવ્યો.ઉતારો આપેલ હોય તે ઘર જાનૈયા પક્ષનું ગણાય. તે ઘરધણી ને વરના બાપ અને તેઓનાં પત્ની ને વરની માં નો દરજ્જો આપવામાં આવે છે. જાનૈયા ત્યાં પોતાના જ ઘરની જેમ હાથ પગ ધોઈ ને વસ્ત્રો બદલી સાજ શણગાર કરી તૈયાર થાય છે. ત્યારબાદ કન્યા પક્ષ તરફથી વરરાજા ને દૂધ પાવા માટે માંડવે થી સ્ત્રીઓ લગ્ન ગીતો ગાતી ગાતી જાન ને ઉતારે આવે છે. વરરાજા અને અણવર ને દૂધ પાય છે.માંડવા પક્ષ અને જાન પક્ષ ની સ્ત્રીઓ લાડથી એકા બીજાને ફટાણા મારે(ફટાણા એટલે એક પ્રકાર ના મશ્કરીખોર લગ્ન ગીતો. ફટાણા જોડકણાં જેવા જેને જેમ ફાવે તેમ એકા બીજા પક્ષ ને લાગુ પડતા હાસ્યાસ્પદ લગ્ન ગીતો) .અણવર એટલે હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે વરરાજા નિ તમામ દેખરેખ રાખનાર જાન પક્ષનાં એક યુવાન તથા કન્યા ની તમામ દેખરેખ રાખનાર માંડવા પક્ષ ની એક યુવતી ને અણવર કહેવામાં આવે છે. અણવર રાખવાનો આપણો શાસ્ત્રોક્ત મત  એવો છે કે વર અને કન્યા ને લગ્નની તમામ વિધિ માં અનેકવિધ મર્યાદાઓનું પાલન કરવાનું હોય છે.તેથી તે કામ કરવા માટે અને જરૂર પડ્યે વરરાજા કે કન્યા તરફથી કાંઈ પણ બોલવું હોય, જવાબ આપવા નાં હોય કે કાંઈ પણ રજુઆત કરવાની હોય તો તે અણવરે કરવાની હોય છે. આવા અનેકવિધ કારણોસર મર્યાદાઓનું પાલન કરવા માટે અણવર બનાવવામાં આવે છે.
     વરરાજા ને દૂધ પીવડાવ્યા પછી વરપક્ષ તરફથી કન્યાને છાબ દેવાની તૈયારી કરવામાં આવે છે. બે પાંચ તાંબાના ત્રાસમાં કન્યાને આપવા માટે સોનાનાં ઘરેણાં, સાડીઓ,અને અન્ય કિંમતી વસ્તુઓ મૂકીને જાન પક્ષના મોવડીઓ માથે સરસમજાના સાફા બાંધી તાસ ઉપાડે પાછળ સ્ત્રીઓ લગ્ન ગીતો ગાતી ગાતી માંડવે આવે છે. માંડવા પક્ષ તરફથી છાબ વધાવી સ્વીકાર કરવામાં આવે છે.
    જબ બા ની છાબ વધાવવામાં આવી. છાબ ની વિધિ પૂરી થઈ. હવે જબબા ના મોસાળ પક્ષથી પોતાની ભાણેજ ને આપવા જે કંઈ પણ કિંમતી વસ્તુ કે રોકડા રૂપિયા આપવાના હોય તેની વિધિ એટલે કે મામેરું ભરવામાં આવ્યું.મોસાળ માંથી આવેલ મામા મામી અને કુટુંબીજનો ને કંકુચોખા નાં ચાંદલા કરી મિઠળા લઈ ને મામેરૂ વધાવવામાં આવ્યું.
    ગાંડુબાપા નાં ઘર નાં ફળીયામાં લગ્ન ની ચોરી બનાવવામાં આવી હતી. જાનૈયા અને માન્ડવીયા માટે દોરડા વરેળા બાંધી ઉપર ચલાખા નાંખી
ને છાંયળો કરવામાં આવેલો.ગાંડુબાપા નું ઘર આદર સત્કારમાં વખણાય અને પાછું ગામમાં માન મોભા વાળું ઘર તેથી આખા ગામનાં લોકો જબબા નું પરણેતર જોવા અને લગ્ન ગીતો ગાવા ઉમટી પડીયું.
        ઉતારે થી વાજતેગાજતે જાન આવી તોરણે વરરાજા ને કુટુંબની સ્ત્રીઓ એ વધાવ્યા.ગોરમહારાજ નાં મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ ચાલુ થઈ.ગોરમહારાજે સપ્તપદી ના શ્લોકો સાથે ચોરીમાં શાસ્ત્રોક્ત વિધથી વર વધૂ ને ચાર મંગળ ફેરા ફેરવવામાં આવ્યા.જબબા ના ભાઈઓ એ જવ તલ હોઈમાં, બંને પક્ષ તરફથી હાથ ગરણા કરવામાં આવ્યા. વર કન્યાને ગણેશજી ને પગે લગાળી પરણેતર ની વિધિ પૂરી કરવામાં આવી.
      બપોરે જાનૈયા માંડવિયા અને ગામનાં લોકોને વિવધ પકવાન,દાળ-ભાત, શાકો, પાપડ,પુરી વિગેરે સોડમ દાળ થાળ થી જમાડવામાં આવ્યા. બપોર બાદ ચા પાણી પાયા બાદ કન્યા વિદાય ની તૈયારી કરવામાં આવી. જબબા કુટુંબીજનો અને ગામ લોકો ને બહુ વ્હાલા હતાં. કન્યા વિદાય વેળાએ સૌ કોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.માતા પિતાની વેદનાનો કોઈ પાર નહોતો કારણકે આજે તેઓનો કાળજા નો કટકો તેનાથી દૂર થવાનો છે. વ્હાલસોયી દિકરી ને સાસરે વાળાવવાની છે તેનું અપાર દુઃખ છે.જબ બા નાં આક્રંદ હૈયાફાટ રુદન થી વાતાવરણ ગમગીન બની ગયું. પણ દિકરી તો પારકી થાપણ માની બધાએ મનમનાવ્યું. આખરે ભારે હૈયે સૌ એ જબબા અને જાન ને વિદાય આપી.
       ત્યાર ના સમય માં કડવા પાટીદાર સમાજમાં દીકરીને આણા જીયાણા કરતાં. એટલે કે દિકરી ના લગ્ન પછી 10-15 દિવસ બાદ પિયર નાં સગા વહાલા દીકરી ને વાજતે ગાજતે હરખભેર તેડવા જતાં. જબબા ને પણ આણું તેડી પિયર તેડવામાં આવ્યા. જબબા પિયરમાં આવતાં કુટુંબીજનો અને ગામલોકો માં ખુશી આનંદ છવાય ગયો.
         જબ બા વળી પાછા ઘરનાં કામકાજ માં ઓતપ્રોત થઇ ગયા.ચોમાસું તેના ઉત્તરાર્ધ તરફ આગળ વધી રહ્યું હતું. ભાદરવા સુદ પાંચમ નો દિવસ એટલે ઋષિ પંચમી જે ખેડૂત પાંચમ તરીકે ઓળખાય છે. તે દિવસે ખેડૂતો ઉપવાસ ફળાહાર કરી વ્રત પાળે. જબ બા નાં ઘરે પણ ઘરના તમામ સભ્યોએ વ્રત રાખેલ.
     બપોર પછી નો પહોર હતો. આશરે ત્રણક વાગ્યાનો સમય હતો. આકાશમાં થોડાં થોડાં વાદળો છવાયેલા હતાં.જબબા એ માતા દિવાળી બા ને કહે બા હું આપણા નજીકના ખેતર થી પશુઓ માટે ઘાસ લઈ આવું. દિવાળી બા કહે બેટા તારે પાંચમ નું વ્રત છે. વળી આજે ખેડૂત પાંચમ નો અકતો છે એટલે સાંતી પણ હાંકવા ગયાં નથી.બળદો ને ભાઈ સીમમાં ચારવા ગયા છે એટલે બહુ લીલા ચારા ની જરૂર નહીં પડે.પણ જબબા એ કહ્યું બા ગાય ભેંસો માટે થોડો લીલો ઘાસ ચારો લઈ આવું. બાએ કહ્યું તું થોડું પેંડા નું ફરાળ કરીલે પછી જા.નજીક નાં ખેતર જાજે ને નાના ભાઈ ને સાથે લઈ જજે ઘાસ નો ભારો ઉપડાવવા જરૂર પડશે અને તારે બોલા-ચાલો રહેશે.જબબા કહે બા હું ઘાસ લઈને આવીશ પછી પેંડાનું ફરાળ કરી લઈશ.નાનાં ભાઈ ને સાથે લઈ જઈશ
   જબ બા નો નાનો ભાઈ એટલે લેખક પોતે.હું તે દિવસે ગોઠિયા ની સાથે ગામ બહાર મોઇ-દાંડિયા રમતા હતા.ત્યારે ખોખો, કબડી, ઇસ્ટો, નવ કુંકરી, પાંચ પળા, સંતા કૂકડી,ઘમ દડી,ઓર કમઠુ, હાન્ડો,લખોટી દા,થાપો જેવી રમતો ગામનાં પાધર માં સૌ ભેળા મળીને રમતાં. હું ચોથા ધોરણ માં આ અભ્યાસ કરતો હતો. માંડ દસેક વર્ષની મારી ઉંમર. બાળપણ એટલે રમત માં જીવ. પાધર થી હું ઘરે આવ્યો.બહેન જબબ કહે ચાલ ભાઈ આપણે આપણા નજીકના ખેતરથી થોડો દુજાણા માટે ઘાસચારો લઈ આવીએ. મેં કહ્યું ના મારે નથી આવવું. મારે રમવા જાવું છે. હું રીસાણો પણ મોટી બહેન જબબા મને કહે હાઇલ ભાઈલુ તારે બોન હાઇરે નો આવવું પડે?જો મને ભારો કોણ ઉપડાવશે?મારો ભાઇલો બઉ ડાયો. હાલ આપણે ઝટપટ આવતા રેશું.ભટેરી ખેતર કિંયા છેટું છે આ જીયા ને આ આઈવા.હું મોટી બેન નાં પ્રેમથી ખેતર સાથે જવા તૈયાર થયો.બન્ને ભાઈ બહેન ખેતર જવા નીકળ્યા.અમારી શેરી માં જ ગામનાં ગોરમહારાજ બ્રાહ્મણ નું ઘર છે.તેમનાં ઘર અને અમારા ઘર વચ્ચે વર્ષો થી ઘર જેવો નાતો. અમે ગોરમહારાજ નાં ઘરનાં દરેક સભ્યો નો આદર સત્કાર કરીએ.બ્રાહ્મણ આદરણીય અને પૂજનીય હોય છે.શાસ્ત્રો માં બ્રાહ્મણ અને અગ્નિ ને ભગવાનનાં મુખ માનવામાં આવે છે. એટલે અમારા ઘરે વર્ષોથી કારતક માસ માં બ્રહ્નમ ભોજન કરાવવાનો નિયમ.
       શેરી માં ગોરાણી માં તેઓનાં ઘર પાસે ઉભા હતા. જબબા એ તેઓને જય શ્રીકૃષ્ણ કહ્યા અને પુછીઉ હેં ગોરાણી માં આભમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે મારો નાનો ભયલો હાઇરે છે, અત્યારે વીજળી નો પડેને?ગોરાણી માં એ જબબા નિ બીક કાઢવા કહયુ" નાં બેટા ભાદરવા માં ભગવાન વીજળી બાંધી દે છે એટલે વિજળી નો પડે."જબબા ને આગમ નાં એંધાણ આવી ગયા હતા. એટલે જ બ્રાહ્મણ ગોરાણીમાં પાસે વિજળી વિષે સવાલ પૂછ્યો. ખુદ ગોરાણીમાં ને પણ અચરજ થયું કે કોઈ દિવસ નહીં ને આજે જબુ આવા પ્રશ્નો કેમ પૂછે છે. તેઓને પણ ઊંડે મનમાં ચિંતા થવા લાગી.
        અમે ભાઈ બહેન ઉતાવળે ઉતાવળે ચાલવા લાગ્યા. ભટેરી ખેતર નજીક હતું. ખેતર પહોંચી જબબા જલ્દી જલ્દી ખડ લેવા લાગ્યા. હું પણ બેનને મદદ કરવા નાના હાથે ખડ ઉપાડવા મંડયો. બાજુનાં ખેતરમાં ગામની બીજી સ્ત્રીઓ પણ ખડ લેતી હતી. તેઓ એ ગાંસડી પુરી થઈ ગઈ પછી જબબા ને સાદ દીધો. હાલો જબબા ઘર?તમે ખડ લઈ લીધું?જબબા એ ખડ લેતાં લેતાં જ જવાબ આપ્યો, એ મારે થોડું ખડ લેવાનું બાકી છે. તમે તમતારે જાવ. અમે ભાઈ-બહેન છીએ હમણાં થોડું ખડ લઇ ને આવી છી.ખડ લઈ લીધા પછી બેને પોતાની ગાંસડી મોટી બાંધી અને મને નાનાં છણીયા માં થોડું ખડ નાંખી પોટલી બાંધી દીધી. મેં બહેનને ખડની ગાંહળી ઉપડાવી. બહેને માથે વજન છતાં મને ટેકો કરી પોટલી ઉપડાવી.
      દિ આથમવાની તૈયારી હતી.અમે બંન્ને ભાઈ-બહેન ઉતાવળે ઉતાવળે ઘર તરફ ચાલવા લાગ્યા.આઆકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયેલા હતાં. અમે ભાઈ-બહેન થોડુંક ચાલ્યા ત્યાં વિજળીનો જોરદાર કડાકો થયો. હું અંજાઈ ગયો. શરીરમાં કોઈ કરવત મુકતું હોય તેવું લાગ્યું. કચારે બાજુ પ્રકાશ.હું અંજાય ગયો.કંઇ પણ દેખાતું નહોતું.જ્યારે પ્રકાશ જતો રહ્યો ત્યારે મેં જોયું તો બેન નો ભારો નીચે પડ્યો હતો બાજુમાં બેન સૂતી હતી.તેનું શરીર શ્યામ પળી જીઉ હતું. આંખો નાં ડોળા ખુલ્લા હતાં. પગનાં સાંકરા તૂટી ગયા હતા, પડખે નો જીપટો બળી ગયો હતો.હું હેબતાઈ ગયો.મેં ખૂબ બહેનને ઢંઢોળી પણ બેન બોલી નહીં. હું બેન બેન ની રાડો પાડતો રોવા લાગ્યો.પણ બેને કઈ જવાબ નો દીધો. હું ધ્રુસકે ધ્રૂસકે પોક મૂકીને રોવા લાગ્યો.મારો રડવાનો અવાજ સાંભળી બળદ ચરાવી પાછા ફરતા ગામનાં લોકો દોડી આવ્યા.તેઓએ પણ વીજળી નો જોરદાર કડાકો સાંભળો હતો.તેમને તો તરત જ ખબર પડી ગઈ કે જબબા ઉપર વીજળી પડી છે.તેઓ બેન ને ઉપાડી ઘરે લાવ્યા. ઘરમાં કરુણ આક્રંદ અને મોંફાટ રુદન થી માહોલ કરુણામય બની ગયો. સૌ રોતાં રોતાં કેતા તા કે જબબા ઉપર વીજળી પડી છે ને તેનું મરણ થયું છે. ગામ આખું જબબા ના સમાચાર સાંભળી આઘાત માં સરી પડયુ. ચારે બાજુ રોકકળ થતી હતી.હું નાનો હતો. બીક અને મરણ ની મને બહુ ખબર નહોતી.તે દિવસે મને બીક અને મરણ ની ખબર પડી.
      જબબા ઉપર વિજળી પડતાં તેઓ ભગવાનના ધામમાં ગયાં.ગામલોકો કહેતા કે જબબા નો આત્મા મહાન હતો. તેઓએ તેનાં નાનાં ભાઈ ને સાથે હતો તો પણ ઉની આંચ આવવા નો દીધી.સારાં માણસો ની ઉપરવાળા ને પણ જરૂર હોય છે તેથી તેને વહેલાસર ધામમાં બોલાવી લે છે. ઘણાં સમય સુધી ગામમાં શોક નો માહોલ રહ્યો.અમારું કુટુંબ વર્ષો શુધી આ આઘાત માંથી બહાર નીકળી ન શક્યા. આજે પણ અમારા ઘરનાં સભ્યો વીજળી નાં કડાકાથી ડરે છે. વિજળી નો દરેક કડાકો અમને અને ગામને જબ બા ની યાદ અપાવી જાય છે.
લેખક : M G Kaila
       
      
       

     

ટિપ્પણીઓ

  1. આપે આપના મોટા બહેન વીષે ખુબ સરસ લખીને એમને શ્રધ્ધાંજલિ આપી છે... આપને વંદન છે... 🙏🙏

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma