ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma
ગામડાં માં સવાર કેવી હોય ?
Gamda ma savar, Morning in Village
હું અહીંયા મારા blog Aapni Jankari Blog દ્વારા Jankari Gujarati Ma શેર કરું છું. ગુજરાત માં blog નો વ્યાપ વધુ થાય તે માટે પ્રયાસ કરું છું.
મારા પિતાજી એ તેઓની કિશોરાવસ્થામાં એટલે કે 1977 થી 1982 ના પાંચ વર્ષ ના ગાળા માં જે કાવ્ય રચના કરેલ છે તે આજે હું Aapni Jankari Blog ના માધ્યમ થી share કરી રહ્યો છું. તો ચાલો પપ્પા ની કાવ્ય રચનાઓ જોઈએ તેમના પોતાના જ શબ્દોમાં.
" મને નાનપણથી સાહિત્યમાં રસ છે. મેં પણ થોડી કાવ્ય રચના કરેલ છે. જે નીચે મુજબ છે.
મેં મારી પ્રથમ કાવ્ય રચના જ્યારે હું ધોરણ10 SSC માં અભ્યાસ કરતો હતો ત્યારે1976-77 માં લખેલ.ત્યારે ગુજરાત નાં ગામડાઓમાં લાઈટ હજું પહોંચી નહોતી. અમે બધા મિત્રો રાત્રે ફાનસ નાં અજવાળે વાંચતા. મને રાત્રે મોડે સુધી વાંચવા કરતાં વહેલી સવારે વાંચવાનું વધારે પસંદ હતું.તેનું કારણ એ હતું કે વહેલી સવારે વાતાવરણ શાંત હોય.આપણે તરો તાજા અને સ્ફૂર્તિથી ભરેલા હોઈ.વાતાવરણ જ આપણને કાંઈક નવું કરવાની પ્રેરણા આપે. કલ્પના નાં ઘોડા ને જાણે કે પાંખો ફૂટે. તમે જે વાંચો તે તો ફટ કરતાં યાદ રહી જાય. કોઈ ગોખણપટ્ટી ની જરૂર નહીં. જાણેકે કેમ તમે computer ની હાર્ડ ડિસ્ક માં કોઈ memory save કરી હોય. ગામડાં માં સવાર નું વાતાવરણ એટલું આહલાદક હોય છે કે તમને કંઈક નવું કરવાની તાલાવેલી લાગે.કાંઈક સર્જન કરવાની પ્રેરણા જાગે. આપણી આધ્યાત્મિક ભાવનાઓ ને બળ મળે અને આપણે કુદરતી પરિબળો પર દ્રઢ વિશ્વાસ રાખતા થઈ. જાણે માનવી અને માનવી નું સર્જન કરનાર સર્જનહાર નું મિલન થાય.તેથી તો રાત્રીના પાછલાં પહોર ને બ્રાહ્મ મૂરહત કહેવામાં આવે છે.
##મારી સત્ય ઘટના આધારિત વાર્તા માટે નીચેની post ની મુલાકાત લો
પરોઢિયા નો આહલાદક સમય હોય અને એમાં પણ ગામડાં ની સવાર હોય પછી તો પૂછવું જ છું. હું આ આલેખન કરું છું ત્યારે મારી સામે જાણે 40 વર્ષ પહેલાં નાં ગામડાં ના દ્રશ્યો ચિત્રપટ ની જેમ મારી પર સવાય જાય છે. જાણે કે કોઈએ મારાં પર જાદુ કરી hipnotyse કરી દીધું હોય અને હું આજની ઘોંઘાટ ભરી દુનિયા થી દૂર મારા બચપણ નાં સુવર્ણ સમયમાં સરી પડ્યો હોઉં તેવું લાગે છે. તેને શબ્દોમાં વર્ણવી શકવાની ક્ષમતા મારાં માં નથી. હું તો ફક્ત અનુમાન કરી શકું છું કે જે મહાન લેખકો,સર્જકો, કવિઓ આપણી ગરવી ગુજરાત માં થઈ ગયા તેવો એ જરૂર વહેલી સવારે બ્રાહ્મ મુરહુત નો સહારો લીધો હશે. મેં પણ મારું પ્રથમ કાવ્ય, "સવાર " બ્રાહ્મ મૂરહત માં જ લખેલ. ત્યારે મારી ઉંમર ફક્ત. 16 ,17 વર્ષની. કિશોરાવસ્થામાં જ્યારે દુનિયા ની ગતાગમ પણ ન હોય. પુરી સમજ ન હોય, સાહિત્ય લેખન શું છે તેનું પૂરું ભાન પણ ન હોય ત્યારે તમને કાંઈક સર્જન કરવાનું,કાવ્ય રચના કરવાનું સુજે તેને પરમકૃપાળુ પરમાત્માની મહેરબાની અને સવાર નાં પાછલાં પહોર બ્રાહ્મ મૂરહુત નો પ્રતાપ ગણવો રહ્યો.
સવાર અને તે પણ ગામડાં ની સવાર. પછી તો પૂછવું જ છું. મારી આંખ સામે ગામડાંની સવાર નાં વર્ષો પહેલાં ના દ્રશ્યો તર વરી રહયા છે. વહેલી સવારે વાતાવરણ આહલાદક છે. ક્યાંય કોઈ પણ પ્રકાર નો ઘોઘાટ નહિં. શેરીઓ માં કૂતરાં નો ભસવાનો અવાજ ક્યારેક કયારેક સંભળાઈ રહયો છે. દૂર દૂર ખેતરોમાં સીમમાં થી ક્યારેક શિયાળીયાઓ ની લારી સંભળાઈ રહી છે.ઘુવડો ચિબરીયો નો કર્કશ અવાજ વચ્ચે વચ્ચે સંભળાય રહ્યો છે. જેમ જેમ સવાર નો પહોર આગળ વધતો જાય છે તેમ તેમ શિયાળીયાઓ ની લારી અને કૂતરાં નો ભસવાનો અવાજ બંધ થતો જાય છે.
વહેલી પરોઢે, વહેલી સવાર માં હવે ગામની ગૃહિણીઓ, બહેન દીકરીઓ,માતાઓ નો જાગવાનો સમય થઇ ગયો છે. ગૃહિણીઓ,માતા બહેનો નો ઘંટી માં અનાજ દળવાનો મધુર અવાજ આવી રહ્યો છે. અનાજ દળવાની સાથે સાથે ગવાતા લોકગીતો,પ્રભાતિયાં થી વાતાવરણ માં એક અનેરી સુગંધ ભળી રહી છે. સવાર નો સમય આગળ વધી રહ્યો છે. હવે દેરાણી જેઠાણી, નણંદ ભોજાઈ, માં દીકરી સામે સામે ઘમ્મર વલોણું ના નેતરા તાણી રહ્યા છે. ઘમ્મર વલોણું ફરવાનો અવાજ, છાછ, માખણ વલોવવા નો સુમધુર રણકાર સંભળાઈ રહ્યો છે. છાછ નાં વલોણું બંધ થતાં જાય છે. છાછ કરવાની માટીની ઠીકરા ની મોટી ગોરી માં થી માખણ તારવવા નો અવાજ સંભળાય રહયો છે.
સવાર નો સમય આગળ વધી રહ્યો છે. હવે ખેડૂતો નાં ઘરમાં ગૃહિણીઓ એ સલગાવેલા ચૂલા માં થી અજવાળું અને ધુમાડો નીકળી રહ્યો છે.દેશી મધુર બાજરી નાં રોટલા બનાવવા નો ટપ ટપ અવાજ આવી રહ્યો છે. ધરતી પુત્રો ,ખેડૂતો માટે, કુટુંબીજનો માટે શિરામણ ની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ વાસરડાં ગાયો નાં ભાંભરવા નાં અવાજો આવી રહ્યા છે. ખિલેથી વાછરું છૂટવા માટે ઠેકા ઠેક કરી રહ્યા છે. તેની માં ગૌમાતાઓ પોતાના વાછરૂઓ ને ધવળાવવા અધિરી થઈ ભાંભરી રહી છે. ગૃહિણીઓ એ વાછરું ને ગાયોના દૂધ પીવા માટે છુટા મૂક્યાં કારણ કે ગાયો ના દૂધ પર પહેલો અધિકાર વાછડાઓ નો છે. દૂધ થી ફાટફાટ આંચળો વારા ફરતી વાછરડું ને મોં માં મૂકી ગૃહિણીઓ તેને દૂધ પીવડાવી આંચળો પોચાં કરી પાણીથી સાફ કરી બંધોણા માં દૂધ દોહવા લાગી છે. દોહવાથી આવતો દૂધ નો સુમધુર લય બદ્ધ અવાજ સંભળાય રહ્યો છે. ધારોષણ દૂધ નાં ફીણ થિ બંધોણા છલકાય રહયા છે.
ઘર નો પુરુષ વર્ગ જાગીને પોતાનાં જીવથી વહાલા બળદો ને ,ઞાય ભેસો ને નીણ પુરો, ચારો કળબ નિરે છે.બળદો ને સાંતીએ જોડ્યા પહેલાં ધરવી ને તાજા માજા રાખવા નીણ પાણી ને ચાકરી માં ઓતપ્રોત થઈ ગયો છે..સ્ત્રીઓ સાથે મળી ને ગામના તળાવ માંથી પાણી ભરેલા બેડાં હેલ લઈને વાતો કરતી કરતી આવી રહી છે.
શિરામણ કરી ખેડૂતો પોતાનો સાંતી સંચ કરવામાં લાગી ગયા છે. સાંતી માં ગિહલું જોડી સાંભળે ધોન્સરુ અને નેણ લઈ સાંતી નાડી રહ્યો છે. સમોલ, સોવણ ચેક કરી જોતર બાંધે છે. બેસવા ની ખાટલી,પાણીની બદક અને બપોર નું ભાત સંભાળીને લઈ લીધું.બળદો ને સાંતી એ જોતરી ધરતી સાથે બાથ ભીડવા ખેતર તરફ પ્રયાણ કરવા લાગ્યા છે.
સવાર નો પહોર આગળ વધવા લાગ્યો છે. હવે રાતળ ફૂટવાની તૈયારી છે. સૂર્ય નારાયણ ની પધરામણી નાં એંધાણ આપતો ઓજસ અંધકાર ને ઓગાળી રહ્યો છે.પરોઢિયા નાં પગરણ મંડાય રહ્યા છે.પરોઢ પાંગરી રહયુ છે. મોં સૂજણુ થઈ ગયું છે. સવાર થતાં માં પંખીઓ નાં મઘુર કલરવ સંભળાય રહયો છે. પંખીઓના ગીતળા સાંભળીને ઘુવડ,ચિબરીયો પોતાના છુપા સ્થળો તરફ ભાગી રહયા છે.વૃક્ષો ની ડાળીઓ પર બેઠેલા મોરલીયા નાં મધુર ટહુકાઓ સંભળાય રહયા છે.
પ્રભાત થાતાં માં રામજી મંદિર,શિવજી નાં શિવાલય નાં પૂજારીઓ જાગ્યા છે. પૂજા માટે ની સઘળી પૂર્વ તૈયારી કરી હાથમાં પુષ્પોની થાળી લઈ મંદિરે પહોંચી ગયા છે. મોટી ઉંમરના વૃદ્ધ સ્ત્રી પુરુષો ઠાકર ની આરતી માટે ગામને ચોરે રામજી મંદિરે પહોંચી ગયા છે. નગારા, શંખ નાદ આરતી નાં રણકાર થી સવારનું વાતાવરણ ભક્તિમય થઇ ગયું છે. આરતી પુરી થતાં પૂજારી મહારાજ અને ગ્રામજનો ભગવાનની સ્તુતિ ગાઇ રહયા છે,
"શ્રી રામચંદ્ર કૃપાલું ભજમન,હરન ભવ ભય દારુણં,
નવ કંજ લોચન, કંજ, મુખકર કંજ પદ કંજારૂનમ,
ઇતિ વદત તુલસી દાસ શંકર શેષ મુનિ મન રંજનમ "
સૂર્ય દેવતા રવિ પોતાના અશ્વોની લગામ હાથ ધરી, સાત સમંદર પાર કરી અંધકાર ને દૂર કરી ઉગમણી દિશા માં પધરામણી કરી રહયા છે.અજવાળું થતાં શિશુઓને, બાળકોને તેઓની માતાઓએ જગાડ્યા છે. બાળકો શિરામણ કરી રમકડાં લઈ રમવા માટે ગામની શેરીઓ માં દોડ્યા છે. તેઓનાં કિલકીલાટ થી ગામનું વાતાવરણ આહલાદક બની ગયું છે. સૂરજદાદા જાણે કે તેઓ ના હૂંફાળા તડકાથી શિશુઓને માથે આશીર્વાદ આપી પોતાના નિર્ધારિત માર્ગ પર આગળ વધી રહયા છે.ગામને પાદર ગાયોના ધણ ની ગૌરજ ઉડી રહી છે.ગોવાતી ગોધણ લઈ સિમ તરફ આગળ વધે છે. ગાયોની વિદાય સાથે ગામડાંની અંતર ને તરબોળ કરતી સવાર પણ વિદાય લે છે."
ગામડાં ની સવાર નું નિરૂપણ મેં મારી કવિતા. "" સવાર " માં 1977 માં કિશોરાવસ્થામાં કંડાર્યું છે તે પણ ગામડાંની સવાર નું દ્રશ્ય આપણી સમક્ષ ખડું કરી દે છે .પ્રથમ કાવ્ય સવાર સૂર્ય "રવિ" વિષે લખેલ તેથી રવિ ઉપનામ થીજ મેં કાવ્ય રચનાઓ કરી છે."
સવાર કાવ્ય ની ફોટો કોપી :

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો